શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટના વિકાસના શિલ્પી અને સ્વપ્નદૃષ્ટા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મેયર, સમાજિક તેમજ રાજકીય અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પ્રમુખ અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં તેઓએ પ્રગટાવેલી સેવા અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત રાખવા, લોકકલ્યાણ માટેની તેમની ભાવનાઓને અનુરૂપ વિવિધ પ્રકારની સમાજોપયોગી તેમજ સેવાકીય પ્રવૃત્તિ ના ઉદ્દેશ અને કાર્યો કરવાના ધ્યેય સાથે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની રચના ઓક્ટોબર ૧૯૮૩ થી કરવામાં આવી. સ્થાપનાથી આજ સુધી ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.

Image

દિવંગત ટ્રસ્ટીઓની સ્મૃતિ

         અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના પાંચ સ્થાપક ટ્રસ્ટીઓએ સમયાંતરે ચિરવિદાય લીધી. પાંચે દિવંગત ટ્રસ્ટીઓની ભાવવંદના કરવા તથા ભક્તિસંગીત દ્વારા તેમને ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ ટ્રસ્ટના ઉપક્રમે તા. 09 - 07 - 2012 ના યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા, પ્રમુખસ્થાને મેયર શ્રી જનકભાઈ કોટક અને અતિથિવિશેષપદે રાજકોટ મહાનગરના સંઘચાલક શ્રી નલીનભાઈ વસા હાજર રહ્યા હતા. ભાવાંજલિ કાર્યક્રમમાં રાજુભાઈ વ્યાસ, અનંત વ્યાસ અને ગાર્ગી વોરાનું ભક્તિસંગીત યોજાયું હતું.

          ટ્રસ્ટના એક સ્થાપક ટ્રસ્ટી રામકૃષ્ણ ઠાકરનું (રામભાઇ) તા. 01 - 11 - 2009 ના અવસાન થયું. તેમની સ્મૃતિમાં રચાયેલ 'રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાન' અને 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ના સંયુક્ત ઉપક્રમે તા. 09 - 05 - 2010 ના રોજ એક વિશેષ કાર્યક્રમ ‘રામ સાંભરે રે' યોજાયો હતો. રામભાઈની સ્મૃતિમાં તૈયાર કરવામાં આવેલી સ્મરણિકાનું વિમોચન રાજ્યના નાણામંત્રી વજુભાઈ વાળાએ કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સભ્ય વિજય રૂપાણી હતા. રામભાઈની સ્મૃતિમાં 'અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' અને 'રામભાઇ ઠાકર સ્મૃતિ સંસ્થાન' બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તા. 03 - 05 - 2013 ના દિવસે રાજકોટમાં કાવ્યસંગીતનો કાર્યક્રમ 'તું નહીં તો શું ?' યોજાયો હતો. કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા હતા. મુખ્ય મહેમાન તરીકે 'ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતા અને સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિનુભાઈ વ્યાસ, ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય, ડો. ભરત પટેલ, નિધિ ધોળકીયા અને ક્રિષ્ન જાનીએ ગુજરાતી કવિઓની રચના પ્રસ્તુત કરી, શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. સ્વરનિયોજન ડો. ભરત પટેલનું હતું.

ડૉ. પી. વી. દોશી (પપ્પાજી)

અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં ગઠિત 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ની સ્થાપનાકાળથી પપ્પાજીની પ્રેરણા અને તેમના નેતૃત્વમાં આ ટ્રસ્ટની જનકલ્યાણની ભાવનાને સમાજમાં ઉજાગર કરવા અને તે અંગેની વ્યવસ્થા અને સમાજના અલગ અલગ સેવાક્ષેત્રમાં યોગદાન માટેની વ્યવસ્થા તથા કાર્યક્રમો કરવા માટે અથાગ પરિશ્રમ પપ્પાજીએ કરેલ હતો.
આ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ તરીકેની સર્વે જવાબદારી અને તે અંગેના કાર્યમાં તેઓ જીવનપર્યંત સક્રિય રહ્યા હતા. પપ્પાજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકેની જવાબદારી નિભાવી હતી. સંઘના સંસ્કારો અને વિચારોની તેમણે શરૂ કરેલ દરેક સંગઠનોમાં કાળજીપૂર્વક માવજત કરી હતી, તેમાંનું આ જનકલ્યાણ ટ્રસ્ટ પણ એક ઉત્તમ ઉદાહરણ છે. વ્યવસાયે દંત ચિકિત્સક તરીકેની તેમની કારકિર્દી પણ લોકોની સેવા કરવા માટેનું ઉત્તમ સાધન તેમણે તેમના જીવનમાં પ્રસ્થાપિત કરેલ હતું. દરેક ક્ષેત્રના લોકોને સાંકળીને સેવાયજ્ઞમાં સાથે જોડવાના તેમના પ્રયત્નોનું ફળ આજે પણ યાદગાર છે. આવી વ્યક્તિને એટલે જ લોકોએ 'પપ્પાજી'નું પ્રેમભર્યું નામ આપ્યું હતું.

સ્વ કેશુભાઈ પટેલ

કેશુભાઈ સવદાસભાઈ પટેલ 'અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ની સ્થાપનાથી ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. તેમણે આપણા ટ્રસ્ટમાં ઘણા વર્ષો સુધી સેવામાં સક્રિય કામગીરી કરેલી. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને રાજકોટમાં તેમની લોટની મિલ ચલાવતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા. ઉપરાંત તેઓ એક પીઢ રાજકારણી હતા. શરૂઆત રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણી લડીને, ભૂતપૂર્વ ઉપપ્રમુખ તથા ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ જનસંઘ, ૧૯૭૫ થી ૧૯૯૮ સુધી ૬ વખત ચૂંટાઈને ગુજરાત વિધાન સભામાં સભ્યપદ જાળવી રાખ્યું, કટોકટી દરમિયાન જેલવાસ ભોગવ્યો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બન્યા ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર, મચ્છુ બાંધની નિષ્ફળતા બાદ તેઓ રાહત કાર્યોમાં સામેલ થયા હતા. ૧૯૮૦માં લોકસભા સાંસદ, ૧૯૯૦માં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી, ૧૯૯૫માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ૨૦૦૨માં રાજ્યસભા સાંસદ જેવા મુખ્ય પદભાર સંભાળ્યા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેમનું પોસ્ટ કોવીડ કોમપ્લીકેશન્સના કારણે અવસાન થયું. ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ તેમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર (મરણોત્તર) એનાયત કરાયો હતો.

ચીમનભાઈ શુક્લ

ચીમનભાઈ શુક્લ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટીઓ પૈકીના એક અગ્રગણ્ય વ્યક્તિ હતા.
પોતાના શિશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે તેમણે સમાજના જુદા જુદા ક્ષેત્રના લોકોનું એક ઉત્તમ સંગઠન નિર્માણ કરેલ હતું. સંઘની વિચારધારા અને સંસ્કારોને જાહેરજીવનમાં અને તેમાં પણ રાજકીય જીવનમાં પ્રભાવી બનાવવામાં તેઓ શરૂઆતથી જનસંઘ અને ત્યારબાદ ભાજપમાં આખા ગુજરાતમાં તેમનું અનેરું સ્થાન હતું. નાના-મોટા બધા કાર્યકર્તાઓ તેમને સન્માનથી 'ચીમનકાકા'નું સંબોધન કરતા.
ચીમનકાકાનું વાંચન, અભ્યાસ અને કોઈપણ ક્ષેત્રમાં ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં, તેમનું જ્ઞાન અને ક્યા સમયે, કઈ રીતે મૂલવણી કરી તેના ઉકેલ માટે તેમની વ્યૂહરચના ભાજપને આગળ ધપાવવામાં ઉત્તમ ઉદાહરણ હતું. રાજકોટ શહેર અને ગુજરાતમાં ભાજપને સમાજના દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત કરવામાં ચીમનકાકાનું યોગદાન ઉત્કૃષ્ટ રહ્યું હતું.
વ્યવસાયે વકીલ હોવા છતાં તેઓ જાહેરજીવનની પ્રવૃત્તિમાં રહીને લોકોની સેવા કરતા હતા. કુશળ સંગઠક, સ્પષ્ટવક્તા, નીડરતા અને દરેક સામાજિક કાર્યમાં તેમની વિશિષ્ટતા હતી.

રામકૃષ્ણ ઠાકર

રામકૃષ્ણ ઠાકર આમ તો ‘શમભાઈ ઠાકર' તરીકે જાણીતા હતા. વિદ્યાર્થીકાળથી જાહેરજીવનમાં પદાર્પણ કરનાર રામભાઈ આ ટ્રસ્ટના સૌથી નાના અને યુવા ટ્રસ્ટી હતા. મેયરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે તેમની સેવા લાંબા સમય સુધી રાજકોટને મળી હતી. કોઈ પણ કાર્યક્રમમાં વ્યવસ્થા અને તેનું સુનિયોજન તેમની આગવી વિશેષતા હતી. બધાની સાથે પારિવારિક સંબંધ રાખી. સેવાકીય ક્ષેત્રમાં વ્યક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો તે તેમની આવડત તેમના કાર્યકાળ દરમિયાન સૌ કોઈ માટે પ્રેરણારૂપ હતી. વિદ્યાર્થીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનું સંગઠન
તેમની કાર્યપદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ છે.

વૈદ્ય ડો. રમણીકભાઈ

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપનાથી ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવનાર રમણીકભાઈ કાબેલ, અનુભવી અને કર્મઠ કાર્યકર્તા હતા. તેઓ વ્યવસાયે વૈદ્ય તરીકેની સેવા આપતા હતા. તેમના આ વ્યવસાયમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓ તો હતી જ, સાથોસાથ તેમના જીવનની આધ્યાત્મિકતા અને ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધાએ મહત્ત્વનો ભાગ ભજવેલ હતો.
શરૂઆતથી સંઘના સ્વયંસેવક તરીકે અને સાથોસાથ રાજકીય જીવનમાં પણ તેમનું યોગદાન મહત્ત્વનું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દીર્ઘકાળ સુધી લોકોની સેવા કરનાર રમણીકભાઈની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની કામગીરી યાદગાર છે.

વૈદ્ય ડો.કાંતિભાઈ જાની

કાંતિભાઈ વૈદ્ય 'અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ની સ્થાપનાથી ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. તેઓએ આયુર્વેદ ચિકિત્સક તરીકે નામના મેળવી હતી અને આ કાર્યથી તેમના વિસ્તારના ગરીબ, મધ્યમવર્ગ અને ખાસ કરીને નાના બાળકોની સેવા એમણે અવિરત કરેલ હતી. એમની આ સેવાકીય પ્રવૃત્તિને કારણે તેમના વિસ્તારમાં તેઓ લોકપ્રિય અગ્રણી હતા અને એના કારણે જ તેઓ રાજકોટ કોર્પોરેશનમાં પચીસ વર્ષ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. મૃદુભાષી અને શાંતિચત્તે બધાની વિગતો સાંભળીને તેનો યોગ્ય નિકાલ કરવાની તેમની કુનેહને આજે પણ લોકો યાદ કરે છે.
જાહેરજીવનમાં તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોભાના સ્થાન જેવા કે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.