શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટના વિકાસના શિલ્પી અને સ્વપ્નદૃષ્ટા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મેયર, સમાજિક તેમજ રાજકીય અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પ્રમુખ અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં તેઓએ પ્રગટાવેલી સેવા અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત રાખવા, લોકકલ્યાણ માટેની તેમની ભાવનાઓને અનુરૂપ વિવિધ પ્રકારની સમાજોપયોગી તેમજ સેવાકીય પ્રવૃત્તિ ના ઉદ્દેશ અને કાર્યો કરવાના ધ્યેય સાથે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની રચના ઓક્ટોબર ૧૯૮૩ થી કરવામાં આવી. સ્થાપનાથી આજ સુધી ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.

Image

ટ્રસ્ટી મંડળ

ડો. વલ્લભભાઈ કથીરિય

ભૂતપૂર્વ અધ્યક્ષ : રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકાર ભૂતપૂર્વ પ્રધાન, ભારત સરકાર

         ડો. વલ્લભભાઈ કથીરિયા રાજકોટના પીઢ સાંસદસભ્ય, જાણીતા કેન્સર સર્જન M.S., સુધારક અને ગુજરાતના સૌથી લોકપ્રિય નેતા છે. ડો. વલ્લભભાઈએ સ્વદેશી પશુઓની જાતિના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મ પર ખુબજ સેવા આપી છે, પછી ભલે તે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે હોય, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ તરીકે હોય કે પછી GCCI ( ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાવ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ) ના ફાઉન્ડીંગ મેમ્બર તરીકે હોય. તેમણે ઘણા વર્ષો રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ સચિવ અને ભાજપના રાષ્ટ્રીય પરિષદ સભ્ય તરીકે સેવા આપી છે. બાળપણથીજ R.S.S. માં સમર્પિત સ્વયંસેવક રહ્યા અને રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી જેમાં એક સમયે રાજકોટ મહાનગરના સંઘચાલક તરીકે પણ સેવા આપેલી. ૧૯૯૬ થી ૨૦૦૯ સુધી ૪ વખત સાંસદ સભ્ય (લોકસભા) ચુંટાયા. વર્ષ ૧૯૯૮ માં સાંસદમાં ૧૨મી લોકસભા વખતે સમગ્ર ભારતમાં રાજકોટમાંથી સૌથી વધુ લીડ જીતવાનો રેકર્ડ શ્રેય તેમને જાય છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળ સંચય માટેના તેમના અગ્રણી કાર્યોને કારણે ‘ચેક ડેમ સંસદ' તરીકે જાણીતા છે. તેઓ ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોના કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે, માનવ સંશાધન વિકાસ અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ જેવા મહત્વપૂર્ણ અને મુખ્ય પોર્ટફોલીઓ ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી સંભાળ્યા હતા. રાષ્ટ્રીય કૃષિ મેળો “એગ્રોવિઝન ૨૦૦૩”, રાષ્ટ્રીય ઔદ્યોગિક મેળો, "હેવી મીટ્સ સ્મોલ”, રાષ્ટ્રીય આરોગ્ય મેળો અને રાષ્ટ્રીય પુસ્તક મેળાનું સફળતા પૂર્વક આયોજન કર્યું. ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ દરમિયાન અસરગ્રસ્ત લોકો માટે તેમણે અથાક બચાવ, રાહત અને પુનર્વસન કાર્યો કર્યા છે. ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતના અધ્યક્ષ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન “ગાય આધારિત કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ”, “પંચગવ્ય ચિકિત્સા” અને સ્વદેશી પશુઓની જાતીઓના અનુવાંશિક સુધારણા અને સંરક્ષણ પર રાષ્ટ્રીય પરિષદોનું સફળતાપુર્વક આયોજન કર્યું. ડો. કથીરિયાએ ખેડૂતોને “એક પરિવાર,એક ગાય” ના મિશન સાથે “ચલો ગાય કી ઓર, ચલો ગાંવ કી ઓર, ચલો પ્રકૃતિ કે ઘર” નું સૂત્ર આપ્યું. ગાય આધારિત ઉદ્યોગમાં “રાષ્ટ્રીય ગોકુલ મિશન” માં યોગદાન આપ્યું છે. તેમણે અત્યાર સુધી કુલ ૧૩૦ વખત રક્તદાન કર્યું છે. તેમણે “દાદાભાઈ નવરોજી ઇન્ડસ્ટ્રીઅલ પીસ એન્ડ ડેવલપમેન્ટ એવોર્ડ” અને ભારત વિકાસ પરિષદ દિલ્હી દ્વારા “રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. તેઓ શ્રી એસ. એન. ગોએન્કાજી દ્વારા લોકપ્રસિદ્ધ “વિપસ્યના” ધ્યાનના નિયમિત અભ્યાસી છે. તે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ ઉપયોગી સાધનો માને છે.

શ્રી જ્યોતીન્દ્ર મેહતા

         શ્રી જ્યોતીન્દ્રભાઈ મેહતા બી.કોમ., એલ.એલ.બી. અને ડી.એલ.ટી.પી. ક્વોલીફીકેશન સાથે રાજકોટના એક અગ્રણી એડવોકેટ & ટેક્સ કન્સલ્ટન્ટ છે. હાલમાં તેઓ (NAFCUB) નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો- ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડીટ સોસાયટીઝ લી. ના પ્રેસિડેન્ટ, (GUJFED) ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશન અમદાવાદ અને એપેક્ષ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કો. લી. ના ચેરમેન, રાજકોટ નાગરિક સહકારી બેંક લી. અને સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશન ના ડાયરેક્ટર, લેંગ લાઈબ્રેરી રાજકોટના એક્ઝીકયુટીવ કમિટી મેમ્બર અને 'અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' રાજકોટના ટ્રસ્ટી તરીકેના હોદ્દાઓ સંભાળે છે. ભારતીય રીઝર્વ બેંકની બેઠકો/સમિતિઓમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે - (UCB) અર્બન કો-ઓપરેટીવ બોડીને મજબૂત કરવા માટે આર.બી.આઈ.ની નિષ્ણાંત સમિતિ, UCB અને UCB ના પુનરુત્થાન ભંડોળના બંધારણ માટે બનેલ અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશનના કાર્યકારી જૂથના સભ્ય તરીકે સેવા આપી, છેલ્લાં ૧૦ વર્ષથી સ્ટેન્ડીંગ એડ્વાઇઝરી કમિટી (RBI) એટેન્ડ કરી રહ્યા છે. RBI (૨૦૧૫) દ્વારા ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિમાં સેવા આપે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કો-ઓપરેટીવ સંસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, (WOCCU) વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ કો-ઓપરેટીવ ક્રેડીટ યુનીઅનમાં (જુલાઈ ૨૦૧૨ પોલેન્ડ અને જુલાઈ ૨૦૧૯ બહામાસ) માં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો, કેપટાઉન સાઉથ આફ્રિકા ખાતે BRICS કો-ઓપરેટીવની ત્રીજી બેઠકમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ઉપરાંત વિજય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટના એક્સ-ચેરમેન, ગુજરાત સરકારની કો-ઓપરેટીવ એકટના સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિના ચેરમેન, માધવપુર મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટના પુનરુત્થાન સમિતિના સભ્ય તરીકે સેવા આપી (કેન્દ્રીય રજીસ્ટ્રાર દ્વારા કૃષિ અને સહકાર મંત્રાલય નવી દિલ્હી દ્વારા નિયુક્ત), પ્રત્યક્ષ કર માટે સલાહકાર સમિતિના ભૂતપૂર્વ સભ્ય તરીકે સેવા આપી ( ભારત સરકારના નાણાં મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિયુક્ત).

હંસિકાબહેન મણીઆર

         આદરણીય શ્રીમતી હંસીકાબેનનો જન્મ અને ઉછેર જામનગરમાં થયેલ. તેમણે પ્રાથમિક ભણતર 'સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ'માં અને જુનિયર કોલેજ આર્ટસ વિષયમાં કરી. હંસીકાબેન એટલે “Behind every great Man there's a great Woman” નું શ્રેષ્ઠ ઉદાહરણ. ૧૯૫૯માં શ્રી અરવિંદભાઇ સાથે લગ્ન કરીને ગૃહસ્થામમાં પ્રવેશ કર્યો. સંયુક્ત કુટુંબ અને ઘરમાં એક સોશિયલ વાતાવરણને કારણે જવાબદારી ઘણી રહેતી પરંતુ ધીરજ, ક્ષમા, કરુણા, પારકાને પોતાના કરવાની આવડત, ઘરની આજીવિકાને સુયોગ્ય માર્ગે વાળવી - ઉપયોગ કરવો જેવા તમામ સંસ્કારો સાથે આવેલા હંસીકાબેન સંયુક્ત કુટુંબમાં સહજતાથી ઓતપ્રોત થઇ ગયા. લગ્ન પછી પણ ભણતર પ્રત્યે રૂચી ધરાવતા હોવાથી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ આર્ટસની ડીગ્રી પ્રાપ્ત કરી. શ્રી અરવિંદભાઈની જાહેર જીવનની જવાબદારીઓ દિનપ્રતિદિન વધતી ગઇ એમાં હંસિકાબેને શ્રી અરવિંદભાઈને દરેક કાર્યમાં સંપૂર્ણ સહયોગ કર્યો. શ્રીઅરવિંદભાઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ખૂબ પહેલાથી જોડાયેલા હતા, પરિણામે શ્રીમતી હંસીકાબેન પણ RSS થી પરિચિત થયા. પ્રચારકો દ્વારાજ સમિતિનું કામ શીખ્યા અને વિવિધ સેવાકાર્ય કરતા ગયા. આજે ૨૨ વર્ષથી રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં સંકળાયેલા છે અને હાલમાં પ્રાંત સંચાલિકા છે. વાંચનનો ખુબજ શોખ હોઈ તેને લગતી પ્રવૃત્તિઓમાં જોડાયા. લેંગ લાઈબ્રેરીમાં પૂર્વ કમિટી મેમ્બર અને હાલમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. લોકોને માત્ર પુસ્તક અને ન્યુઝ પેપર માટે જ નહીં પરંતુ જો વિદ્યાર્થીઓને ઘરમાં વાંચનની વ્યવસ્થા ન હોય તો લાઈબ્રેરીમાં વાંચન માટેની વ્યવસ્થા કરી. વસંત ગજેન્દ્રગડકર ટ્રસ્ટની સ્થાપના સમયથી જ તેમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા. આ ટ્રસ્ટમાં સ્ત્રીઓ પગભર થાય તે હેતુથી સીવણ ક્લાસ શરૂ કર્યા. ભૂતકાળમાં રાજકોટમાં જયારે પાણીની સમસ્યા ખૂબ હતી ત્યારે ટેંકરો દ્વારા પાણી પહોંચાડવાનું, સફાઈ કામદારોના વિકાસ માટેના પ્રયત્નો જેવા વિવિધ કાર્યો હાથ ધર્યા. ઉપરાંત હાલમાં વિરાણી બહેરા મુંગા શાળામાં ટ્રસ્ટી તરીકે અને સરસ્વતી શિશુમંદિરના કમિટી મેમ્બર તરીકે સેવા આપે છે. હંસિકાબેન એટલે આદર્શ ગૃહિણી, આદર્શ માતા, આદર્શ બહેન, આદર્શ સમાજસેવિકા, કુટુંબવત્સલ, કરુણામૂર્તિ અને નવી પેઢી માટે પ્રેરણામૂર્તિ.

મહાસુખભાઈ શાહ

         શ્રી મહાસુખભાઇ ગોવિંદજી શાહ વ્યવહારમાં એકદમ સરળ, સિદ્ધાંતનિષ્ઠ, પ્રમાણિક, નીડર, ધર્મનિષ્ઠ અને આદરણીય વડિલ. તેમનો જન્મ અને હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મોરબીમાં થયું. ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એસ.સી. કેમિસ્ટ્રી, બોટની સાથે કર્યું. એક મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે કારકિર્દીની શરૂઆત કરીને John Wyeth (India) Ltd. નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જનરલ મેનેજર બન્યા. મહાસુખભાઇ એટલે ફાર્મેકોલોજીનો એન્સાઈક્લોપીડિયા. આજે ૯૩ વર્ષની ઉંમરે પણ ફાર્મેકોલોજીના નવીનતમ સંસ્કરણનો એમણે અભ્યાસ કરી લીધો હોય. આજની તારીખમાં ગુજરાતના ઘણાં અગ્રણી ફીઝીશીયન ડોક્ટર્સ કોમ્પ્લીકેટેડ કેસમાં ટ્રીટમેન્ટ માટે કઇ દવા, કેવી રીતે પ્રિસ્ક્રાઈબ કરવી એના માટે મહાસુખભાઇની સલાહ લે છે. ભજપના દિવંગત નેતા શ્રી સૂર્યકાંતભાઇ આચાર્ય, સંઘના દિવંગત પ્રચારક શ્રી નટવરસિંહજી વાઘેલા 'બાપુ' અને શ્રી મહાસુખભાઇ ત્રણે અંગત મિત્રો અને બધાજ કોલેજકાળથી સંઘ કાર્ય સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા. મહાસુખભાઇ સંઘ કાર્યમાં સક્રિય રહ્યા છતાં સ્વભાવગત હંમેશા લો-પ્રોફાઈલ જ રહ્યા. ડો. પી. વી. દોશીસાહેબ - પપ્પાજીના આગ્રહવશ રાજકોટ જિલ્લા સંઘચાલકનો પદભાર સંભાળેલો. શ્રી મહાસુખભાઇ શ્રીમદ્ રાજચંદ્રના ચુસ્ત અનુયાયી છે અને હવેનું શેષ જીવન શ્રીમદ્ રાજચંદ્રના વિચારો મુજબ ધર્મભાવનાથી વ્યતીત કરે છે.

શિવુભાઈ જયંતિલાલ દવે

જન્મ તારીખ ૧૦ જુલાઈ ૧૯૪૪ - રાજકોટ
         શિવુભાઈ હાલમાં નિવૃત્ત છે અને મૂળ રાજકોટના રહેવાસી છે. તેમણે માધ્યમિક શિક્ષણ કરણસિંહજી હાઈસ્કૂલ અને ઉચ્ચ અભ્યાસ રાજકોટની પી. ડી. માલવીયા કોલેજમાંથી પૂર્ણ કરેલ. ૧૯૫૫ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ અને એમાં સેવા આપી. પોતાનો ઓટોમોબાઇલ્સનો બીઝનેસ સરસ ચાલતો આમ છતાં ૧૯૭૫માં કટોકટી વખતે સંઘના આદેશ અનુસાર મેયર શ્રી અરવિંદભાઇ મણીઆર સાથે જોડાયા. ૧૯૮૦ - ૧૯૮૫ દરમિયાન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકેની ફરજ બજાવી. શિક્ષણ સમિતિની ૧૦ સ્કૂલોની તાલુકા લેવલે મીટીંગ યોજી. સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોના ટેલેન્ટ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. દરેક તાલુકામાં એક વાલીઓની કમિટી બનાવી તેમની દર ૨ મહીને મીટીંગ યોજી અને આ રીતે બાળકોમાં રહેલ સ્ટેજફીયરને દૂર કરવા એક માળખાકીય વ્યવસ્થા તૈયાર કરી. આ સિવાય ૧૫ ઓગષ્ટના શારીરિક ડ્રીલ, રમત ગમત જેવી પ્રવૃત્તિઓ સામુહિક ધોરણે બાળકોને કરાવી તેમના શારીરિક વિકાસને પણ મહત્ત્વ આપ્યું. શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપનાથી ટ્રસ્ટી તરીકેની ફરજમાં પ્રવૃત્ત.