<   યુવા જાગૃતિ :

વ્યાખ્યાનમાળા

         અરવિંદભાઈના એકાવનમાં જન્મદિન તા.૦૫.૧૦.૧૯૮૩ ના દિવસે અરવિંદભાઈની ચીરવિદાયને એક મહિનો માંડ થયો હતો. રાજકોટની રાષ્ટ્રીયશાળાનું મેદાન લોકોથી ઉભરાઇ ગયું હતું. દેશની અધ્યાત્મિક ક્ષેત્રની એક ઉન્નત પ્રતિભા પ.પૂ. 'દાદા' શ્રી પાંડુરંગશાસ્ત્રી અઠવલેજીનું મંગલ પ્રવચન યોજાયું હતું. જીવન અને મૃત્યુની ગહનતા સમજાવવાની સાથે પ.પૂ. 'દાદા'એ અરવિંદભાઈના કાર્યોને પણ યથોચિત અંજલી આપી હતી. વ્યાખ્યાનના અંશો અત્રે રજુ કર્યા છે. તત્પશ્ચાત અનેક વિવિધ વિષયો પર વ્યાખ્યાનમાળાની હરોળ યોજાઈ -

૧૦.૦૩.૧૯૮૪ – "આર્થીક હાલત ડામાડોળ", કેન્દ્રિય બજેટ ૧૯૮૪ ઉપર મુંબઈના જાણીતા અર્થશાસ્ત્રી અને ઇન્ડીયન મર્ચન્ટ્સ ચેમ્બરના મહામંત્રી રામુ પંડિતનો વાર્તાલાપ રાજકોટના અરવિંદભાઈ મણીઆર હોલમાં યોજાયો હતો.
૨૮.૦૪.૧૯૮૪ – "જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની જાળવણી" આ વિષય ઉપર 'ભારતીય મજદૂર સંઘ'ના સ્થાપક મા. શ્રી દત્તોપંતજી ઠેંગડીએ 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ના ઉપક્રમે વક્તવ્ય આપ્યું હતું.
૨૩.૦૩.૧૯૯૩ – "વર્તમાન પરિસ્થિતિ; પડકાર અને ઉપાય" આ વિષય અનુસંધાને મા. શ્રી દત્તોપંતજી ઠેંગડીએ વક્તવ્ય આપ્યું હતું. ભારતે ૧૯૯૧ના જુલાઈથી આર્થીક ઉદારીકરણની નીતિ અપનાવી છે અને ૨૦૧૦ની આસપાસ અમેરિકા આર્થીક દૃષ્ટીએ તૂટી જશે તેવી આગાહી તે સમયમાં એમણે કરેલી હતી.
૦૪.૧૦.૧૯૯૩ – "ધર્મ અને રાજકારણ"
૧૩.૦૯.૧૯૯૮ – "ત્રાસવાદ અને કાશ્મીર" 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' અને 'લેંગ લાઈબ્રેરી'ના સંયુક્ત ઉપક્રમે જાણીતા પત્રકાર મુઝફ્ફરહુસેનનું પ્રવચન યોજાયું હતું. શૂરવીર સૈનિકોનો બુલંદ બનાવાતો જુસ્સો.


શુરવીર સૈનિકોનો બુલંદ બનાવાતો જુસ્સો

         ટ્રસ્ટ તરફથી ૦૪.૦૭.૧૯૯૯ ના દિવસે એક મહત્વનો કાર્યક્રમ રેસકોર્સ ખાતે આવેલી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પૂર્વ સૈનિક સેવા પરિષદ અને સીરમાનો સહયોગ મળ્યો હતો. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કથીરિયા સાહેબ સહિત અનેક લોકોએ આંગળીમાંથી રક્ત લઇ તેનાથી દેશભક્તિના સુત્રો લખ્યા હતા. નાના બાળકોથી માંડી જૈફ વયના નાગરિકો, કોલેજ યુવતીઓથી માંડી ઘરરખું ગૃહિણીઓ તેમજ સમાજના તમામ વર્ગના લોકો રક્તરંજિત હસ્તાક્ષર કરવાના કાર્યક્રમમમાં ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા.

         ભારતીય સેનાના સ્થાપના દિવસ નિમિત્તે જન જાગૃતિના ભાગરૂપે જનતામાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાના શુભ હેતુથી તા. 15 - 01 - 2002 ના દિવસે ભારતીય સેનાનો નાગરિક શુભેછા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ભારતના સૈનિકોને શુભકામના પાઠવી હતી. કારગીલ યુદ્ધ અને સંસદ ઉપર થયેલા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


સહકાર

         'ભારતીય સંસ્કૃતિનો પાયો સહકાર છે' અરવિંદભાઈના સાઇઠમાં જન્મદિવસના ઉપલક્ષ્યમાં તા.૦૩.૧૦.૧૯૯૩ ના દિવસે, કચ્છ-સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેંકોનો પરિસંવાદ રાજકોટ ખાતે યોજાયો હતો. પચાસ સહકારી બેંકોના ત્રણસો પ્રતિનિધિઓ આ પરિસંવાદમાં હાજર રહ્યા હતા.

         કાર્યક્રમની શરુઆતમાં મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે શોક-પ્રસ્તાવ મુકતાં 'અરવિંદભાઈ મણીઆર સેવા સહકાર ટ્રસ્ટ'ના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ મણીઆરે જણાવ્યું : “મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે સહકારી બેંકો ભેગી થઇને મકાનો બનાવવાનો એક આખો પ્રોજેક્ટ હાથ ધરે અને તેને ‘સહકાર નગર’ એવું નામ આપે.”

         'રાજકોટ નાગરિક સહકારી બેંક લી.' પ્રેરિત અને 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' આયોજિત પરિસંવાદ પ્રસંગે "અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર" ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશનના પ્રમુખ શ્રી આત્મારામભાઈ પટેલે કર્યું હતું. તેમણે કહ્યું હતું બદલાતા જતા આર્થીક પ્રવાહો સાથે જો સહકારી બેંકો પોતાનો અભિગમ વૈજ્ઞાનિક અભ્યાસ સાથે નહી બદલે તો સહકારી બેંકો ટકી નહીં શકે એ માટે દિન પ્રતિદિન સંશોધન કરવું જરૂરી છે. સહકારી બેંકો માટે સંશોધન કાર્ય કરવા માટે રીસર્ચ સેન્ટરની શરૂઆત કરવા બદલ 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ને બિરદાવતા તેમણે જણાવ્યું “સંશોધન કાર્યનો આ પ્રયોગ ભારતભરમાં પ્રથમ છે.”

         આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું : “ દેશની બદલાતી જતી આર્થિક નીતિના કારણે અનેક પડકારો સહકારી પ્રવૃત્તિ સામે આવવાના છે. સહકારનો મૂળ હેતુ નફો કરવાનો નથી જ પરંતુ નફામાંથી મોટી રકમ સમાજ કલ્યાણ માટે વાપરવાનો છે.” કોઈ પણ બેંકના વ્યક્તિગત કે સામુહિક પ્રશ્નોના નિરાકરણ માટે રીસર્ચ સેન્ટર કાર્ય કરશે.

         જાણીતા અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું, “બદલાતી જતી પરિસ્થિતિમાં નફા વગર ચાલશે નહીં. સાથોસાથ સારા વહીવટ વગર નફો નહીં થઇ શકે.”

         આ પૂર્વે તા. ૦૬.૧૦.૧૯૮૪ ના દિવસે, 'અરવિંદભાઈ મણીઆર સહકાર સેવા ટ્રસ્ટ'ના ઉપક્રમે રાજ્યની નાગરિક સહકારી બેંકોનો પરિસંવાદ રાજકોટમાં આયોજિત થયો હતો. તેનો વિષય 'નાગરિક સહકારી બેંકોની કાર્યભૂમિકા : તાત્ત્વિક અને વ્યાવહારિક' હતો. રાજ્યની ૧૦૦ ઉપરાંત નાગરિક સહકારી બેંકોના પ્રતિનિધિઓ આ પરિસંવાદમાં હાજર રહ્યા હતા.


Trust અને RMC : શહેરીકરણ સમસ્યાઓ અંગે એક વર્કશોપ

         અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે : શહેરીકરણની સમસ્યાઓ અંગે એક વર્કશોપનું આયોજન તા.૦૬.૧૦.૧૯૯૧ ના રોજ કરવામાં આવ્યું હતું.


ગુજરાત પ્રાંત સાયકલ યાત્રા

         નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન ( એન.એમ.ઓ.) ગુજરાત પ્રાંત દ્વારા સમાજમાં સ્વસ્થ જીવનશૈલીના પ્રચાર-પ્રસાર માટે એન.એમ.ઓ.ના તબીબો તથા તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ભુજથી વલસાડ સુધી ૧૪૦૦ કિ.મી.ની લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરમાં આ સાયકલ યાત્રા તા.૧૦.૦૮.૨૦૧૫ ના રોજ આવી પહોંચી, તેના સમર્થનમાં નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન, રાજકોટ; અને 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ના સંયુક્ત ઉપક્રમે 'સ્વાસ્થ્યસેવા, રાષ્ટ્રસેવા' ચિંતન શિબિર યોજાઈ હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, અધ્યક્ષસ્થાને મેયર રક્ષાબેન બોળિયા ઉપસ્થિત હતા. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ભાવનગરની મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો. સી. બી. ત્રિપાઠી હતા. સાયકલયાત્રી તબીબો દ્વારા કિસાનપરા ચોકમાં જાહેર જનતા માટે આરોગ્ય વિષયક માર્ગદર્શન કેમ્પ પણ યોજાયો હતો.