<   તબીબી સેવા :

મોબાઈલ મેડીકલ ડીસ્પેન્સરી

         અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના વિવધ સમાજોપયોગી પ્રકલ્પો પૈકી તબીબી સેવા-સહાયતા પ્રકલ્પ નોંધપાત્ર છે. ટ્રસ્ટ તરફથી સૌપ્રથમ રોગનિદાન કેમ્પ તા. ૨૯.૦૪.૧૯૮૪ ના દિવસે યોજાયો હતો. શરૂઆતના તબક્કે રાજકોટના ગરીબ અન પછાત વિસ્તારોમાં રોગનિદાન કેમ્પો યોજાતા હતા. શહેરના નામાંકિત ડોકટરો અને વૈદ્યો આ કેમ્પમાં સેવાઓ આપતા અને જરૂરતવાળા દર્દીઓને દવાની સુવિધા ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ બનાવાતી હતી. રાજકોટના રૈયા રોડ ઉપર આવેલા સુભાષનગરમાં ‘અરવિંદભાઈ મણીઆર સ્મૃતિવન' લહેરાઈ રહ્યું છે. ૨૦૦૫માં તેને ૧૭ વર્ષ પુરા થયા તે નિમિત્તે રૈયા રોડ ઉપર આવેલા છોટુનગરમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયાવદરમાં સ્થાનિક સંસ્થાનો સહયોગ મળ્યો હતો. ત્રણ કેમ્પો રાજકોટ વૈદ્યસભાના સંયુક્ત ઉપક્રમે યોજાયા હતા. તેમાં રાજકોટના નામાંકિત વૈદ્યોએ પોતાની સેવા આપી હતી. ૨૦૦૭ નો આઈ મેડિકલ કેમ્પ જી. ટી. શેઠ આઈ હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો..



મેડીકલ બીલ સહાય

         ટ્રસ્ટ દ્વારા તબીબી સહાયતા પ્રકલ્પ માં મેડીકલ બીલ સહાય પણ આપવામાં આવે છે. જેમાં દર્દીએ છેલ્લા ત્રણ મહિનાના દવાના ઓરીજનલ બીલો રજુ કરવાના હોય છે. અને વર્ષમાં ફક્ત ૧ વખતજ આ સહાય મળવાને પાત્ર છે. ઓરીજનલ દવાના બીલોના ૫૦% રકમ સહાય ચેકના સ્વરૂપ માં આપવામાં આવે છે. જેમાં વધુમાં વધુ ૪૦૦૦/- રૂપયા સુધીના બીલ રજુ કરી શકાશે. આ સહાય માટે ટ્રસ્ટનું એક ફોર્મ ભરવાનું હોય છે અને દર્દીને તેના વિસ્તારના કોર્પોરેટરની સહી સિક્કો ફોર્મમાં લગાવવાનો રહેશે. અને ફોર્મની સાથે ઓરીજનલ બીલો અને બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ જોડવાની રહેશે. આ પ્રોસીજર કર્યાના એક સપ્તાહની અંદર તેમને મેડીકલ સહાય મળી રહેશે.

બીલ સહાય ફોર્મ : Download Form


નેનો સિદ્ધ તબીબી પદ્ધતિ

          નેનો સિદ્ધ તબીબી પદ્ધતિ તમિલનાડુ અને શ્રીલંકાની પરમ્પરાગત રોગનિદાન અને સારવાર પદ્ધતિ છે. પ્રાચીન સમયમાં ભોજપત્ર ઉપર લખાયેલા આ વિજ્ઞાનને વર્તમાન સમયમાં પ્રચલિત કરવા અને એ રીતે દર્દીઓના રોગનું નિદાન કરી સારવાર કરવા માટે ચેન્નાઈ ના પ્રો. મગેશન જહેમત ઉઠાવે છે. તમિલનાડુ અને પોંડીચેરીમાં ‘મનુષ્ય બ્લોસમ પ્રા. લી.' નામની કંપની ખુબ પ્રતિષ્ઠિત છે. સિદ્ધ આધારિત દવાઓ તેની વિશેષતા છે. ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં મગજના રોગો અને આંચકી, લીવરના રોગો (હેપેટાઈટીસ બી અને સી સહિત), આંતરડાના રોગો, હાઈ બ્લડ પ્રેસર સહિત અન્ય જટિલ અને હઠીલા રોગોનું નિદાન તેમજ સારવાર કરવામાં આવતું. આ ઉપરાંત નીચે મુજબ બાળકોમાં થતાં રોગોની સારવાર પણ કરવામાં આવે છે.

1. માનસિક મંદતા (મેન્ટલ રીટાર્ડેશન)
2. મગજનો લકવો (સેરેબ્રલ પાલ્સી)
3. ધ્યાનની ખામી અને હાયપર એક્ટીવીટી ડીસઓર્ડર (ADHD)
4. દૃષ્ટિહીનતા (વિઝ્યુઅલી ઇમ્પેઇરમેન્ટ)
5. સંભાળવાની ક્ષતિ (હિયરીંગ ઈમ્પેઇરમેન્ટ)
6. ઓટીઝમ ટ્રસ્ટના ઉપક્રમે તમિલનાડુની નેનો સિદ્ધ પદ્ધતિના તજજ્ઞ ડો. મગેશનનો કેમ્પ માર્ચ ૨૦૧૯ માં કરેલ હતો.


દાંત માટેના કેમ્પ

         ઇ.સ. ૧૯૮૧-૮૨ માં શ્રી વિનય મિત્ર મંડળ, રાજકોટ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદની અતિ પ્રાચીન એવી “જાલંધર બંધ યોગ” દ્વારા પ્રચલિત દંત યજ્ઞ ચિકિત્સા શિબિરનું આયોજન થયું હતું, જેમાં એ સમયે મેયરશ્રી અરવિંદભાઇ મણીઆર દ્વારા આ કેમ્પનું દિપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય સમાજશ્રેષ્ઠી અને મહાનુભાવોએ પણ હાજરી આપેલ જેમાં લોહાણા સમાજના આ. જયંતભાઈ કુંડલીયા અને રાજા સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજાબાપુ એ પણ આ કાર્યની ખુબ પ્રશંસા કરેલ.

         આ દંત ચિકીત્સા શિબિરમાં રાજકોટના સુપ્રસિદ્ધ દંતશાસ્ત્રી એવા શશીકાંતજી મહારાજે ખુબજ પ્રશંસાયુક્ત કાર્ય કર્યું હતું. જેમાં તેમણે દસ લાખથી પણ વધુ સડેલા, દુ:ખતા અને દર્દ આપતા દાંત નિઃશુલ્ક કાઢી આપેલા. અરવિંદભાઇ મણીઆરે તે સમયે તેમનું સન્માન કરી કહ્યું હતું કે, “આ પ્રકારની ઋષિકાળથી ચાલી આવતી પરંપરાનું જતન કરવું અને સેવા ભાવના સાથે આ દંતવિદ્યા દ્વારા લોકોના દાંતનું દર્દ દૂર કરવું ખરેખર માનવતા અને બીજાનું ભલું કરવું એવું કાર્ય છે.”

         છેલ્લા ઘણા સમયથી દર મહિનાની 1લી તારીખે અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા લોકોના આરોગ્યલક્ષી પ્રવૃતિમાં આયુર્વેદિક દંત ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં જલંધર બંધ યોગ પદ્ધતિ દ્વારા કોઇપણ ઇન્જેક્શન, એનેસ્થેસિયા કે સાઈડ ઈફેક્ટ વિના દાંતની સારવાર, ઉપરાંત નિદાન-ઉપચાર કરી આપવામાં આવે છે. દંતવૈદ્ય ભરતભાઈ વ્યાસ કે જેઓએ પણ અત્યાર સુધી બે લાખથી વધારે લોકોની સારવાર કરી તેમના આશીર્વાદ મેળવ્યા છે તે અહીં સેવા આપે છે.


ડ્રગ્સ બેંક

         અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટનો ઇ.સ. 1993માં દશાબ્દી વર્ષમાં પ્રવેશ થયો હતો. આ પ્રસંગે તા. ૨૫.૦૯.૧૯૯૩ (પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજ્યંતિ) થી તા. ૦૫.૧૦.૧૯૯૩ (અરવિંદભાઈના જન્મદિવસ) સુધી દસ દિવસના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

         ટ્રસ્ટ તરફથી રાજકોટની એચ. જે. દોશી હોસ્પીટલમાં ડ્રગ્સ બેંકનો આરંભ ઇ.સ. 1993ના વર્ષથી કરવામાં આવ્યો હતો. આ માટે હોસ્પીટલના મુખ્ય ટ્રસ્ટીઓ મગનભાઈ દોશી તથા વિનોદભાઈ દોશીએ હોસ્પીટલમાં જરૂરી જગ્યા ટ્રસ્ટને ફાળવી હતી. ડ્રગ્સ બેંક માટે રૂ.૫૦ હજાર બે વર્ષ સુધી વગર વ્યાજે દાતા પરિવારે આપ્યા હતા. ડ્રગ્સ બેંક દ્વારા થતો નફો ગરીબ દર્દીઓ માટે દવામાં વપરાતો હતો. હોસ્પીટલના દર્દીઓ ઉપરાંત બહારના લોકો પણ ડ્રગ્સ બેંકનો લાભ લેતા હતા. રાજકોટમાં ઉપલબ્ધ ન હોય તેવી દવાઓ બહારગામથી મંગાવી આપવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હતી.


પુનાભગત કેમ્પ

         જસદણ પાસેના નાની લાખવડ ગામના પૂનાભગત સેવાભાવી અને કુદરતી બક્ષીસ ધરાવતા હાડવૈદ્ય છે. ટ્રસ્ટના ઉપક્રમે તા. ૦૧.૦૩.૨૦૧૩ થી દર મહિનાની પહેલી તારીખે રાજકોટમાં પૂનાભગતનો કેમ્પ યોજાય છે. સરળ સ્વભાવના અને હસમુખા પૂનાભગત વા, સાંધના અને હાડકાના દુ:ખાવાથી પીડાતા દર્દીઓની સારવાર કરી તેમને દુ:ખાવામાંથી શક્ય તેટલી રાહત આપે છે. પ્રત્યેક કેમ્પમાં સરેરાશ ૧૫૦ દર્દીઓ તપાસાય છે. આ કેમ્પની સાથે હવે ટ્રસ્ટ તરફથી દંતવૈદ્ય, આંખના ડોક્ટર અને હોમિયોપેથીના ડોક્ટરની સેવાઓ ઉપલબ્ધ બની છે. મોબાઈલ ડીસ્પેન્સરી અને આરોગ્ય કેમ્પ બન્નેએ રાજકોટની જનતામાં વ્યાપક લોક્ચાહના મેળવી છે.


રોગનિદાન કેમ્પ

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ રોગનિદાન કેમ્પ તા. ૨૯.૦૪.૧૯૮૪ ના દિવસે યોજાયો હતો. શરૂઆતના તબક્કે રાજકોટના ગરીબ અને પછાત વિસ્તારોમાં રોગનિદાન કેમ્પો યોજાતા હતા. શહેરના નામાંકિત ડોકટરો અને વૈદ્યો આ કેમ્પમાં સવાઓ આપતા અને જરૂરતવાળા દર્દીઓને દવાની સુવિધા ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરવામાં આવતી હતી. નિદાન કેમ્પો ની વિગત નીચે પ્રમાણે છે :

તારીખ        સ્થળ

૨૯.૦૪.૧૯૮૪      લાખાજીરાજ સોસાયટી

૦૯.૦૯.૧૯૮૪      ખેરા બોર્ડીંગ – જલારામ મંદિર સામે

૦૭.10.૧૯૮૪      મ્યુનિસિપલ પ્રાથમિક શાળા – ચુનારાવાડ

૨૦.૦૪.૧૯૮૬      દાસીજીવણપરા

૦૯.૦૫.૧૯૮૭      નેત્રયજ્ઞ – પડધરી

૧૨.૦૬.૧૯૮૮      સરકારી શાળા – પડધરી

૦૫.૦૩.૧૯૮૯      જી. એલ. એસ. હાઈસ્કૂલ – સરધાર

૦૭.૦૪.૧૯૯૧      વિવેકાનંદ હાઈસ્કૂલ, રાજનગર સામે, નાના મવા રોડ

૧૯.૦૪.૧૯૯૨      શારદા વિદ્યાલય – રૈયા રોડ

૨૬.૦૯.૧૯૯૩      પ્રાથમિક શાળા – માધાપર

૦૩.૧0.૧૯૯૩      પ્રાથમિક શાળા – કણકોટ

૨૧.૧૨.૧૯૯૭      પટેલ સમાજ – ભાયાવદર

૨૬.૦૧.૨૦૦૫      પ્રાથમિક શાળા – શાપર

૦૨.૧0.૨૦૦૫      મ્યુનિસિપલ શાળા, છોટુનગર રૈયા, રોડ

૩૦.૧૨.૨૦૦૭      આઈ(આંખ) મેડીકલ કેમ્પ

ઇ.સ. 1987ના મે માસમાં પડધરી ખાતે યોજાયેલ નેત્રયજ્ઞ બબલભાઈ મહેતા સ્મારક ટ્રસ્ટ, રાષ્ટ્રીયશાળા (રાજકોટ) અને અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આંખના પ્રખ્યાત ડોક્ટર, અમદાવાદના ડો. વિનોદ પટેલે તેમાં સેવા આપી હતી. રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ સુભાષ નગરમાં અરવિંદભાઈ મણીઆર સ્મૃતિવન' લહેરાઈ રહ્યું છે. ૨૦૦૫ માં તેને ૧૭ વર્ષ પૂરા થયા તે નિમિત્તે રૈયા રોડ ઉપર આવેલ છોટુનગરમાં સર્વ રોગ નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયાવદરમાં સ્થાનિક સંસ્થાનો સહયોગ મળ્યો હતો. ત્રણ કેમ્પો રાજકોટ વૈદ્ય સભાના સંયુક્ત ઉપક્રમે યોજાયા હતા. તેમાં રાજકોટના નામાંકિત વૈદ્યોએ પોતાની સેવા આપી હતી. ઇ.સ. ૨૦૦૭ નો આઈ મેડીકલ કેમ્પ જી. ટી. શેઠ આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. એપ્રિલ ઇ.સ. ૨૦૨૨માં ડાયાબિટીસ કન્ટ્રોલ માટે ફીઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો. જેમાં ગીતા મંદિર ટ્રસ્ટના શ્રી કૃષ્ણકાંતભાઈની સુપુત્રી ડો. દેવકી મહેતા દ્વારા ૧૫ દીવસ સુધી દરરોજ સાંજે ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટેની વિવિધ કસરત શીખવવામાં આવી હતી.


‘ભાવના’ માંથી ‘ભરત’

જૂનાગઢ જીલ્લાના કેશોદ પાસેના મઘરવાડા ગામમાં રહેતા એક ખેતમજૂર પરિવારને ભાવના પુત્રી નહીં પરંતુ પુત્ર હોવાની શંકા વર્ષોથી હતી. સૌરાષ્ટ્રના તબીબી ઇતિહાસમાં આશ્ચર્યજનક કહી શકાય સાથે સિદ્ધિ પણ ગણી શકાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો. જેની જિંદગીમાં કુદરતે ખામી છોડી હતી, તે અધૂરી જિંદગીને તબીબી વિજ્ઞાને પૂર્ણ કરી. જન્મના 18 વર્ષ બાદ ખબર પડી કે આપણે જેને દીકરી ગણીએ છીએ એ વાસ્તવમાં દીકરો છે. અલબત્ત, તેની માતાને આ શંકા હતી જ, પરંતુ સમર્થન મળતું નહોતું. અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં નિદાન કરાવ્યું, જ્યાં ભાવના છોકરી નહી પણ છોકરો હોવાનું નિદાન થયું. આખરે તબીબોએ પણ સ્વીકાર્યું.

પ્રશ્ન એ હતો કે તેને સંપૂર્ણ છોકરો બનાવવો કઈ રીતે ? આ સમયે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કરણે પણ તેમને અમદાવાદ સુધી ધક્કા પરવડે તેમ ન હતા. ત્યારે એક દિવસ મઘરવાડાના એક ખેડૂતે રાજકોટના તબીબ જીતેન્દ્ર અમલાણીનો સંપર્ક કરવા કહ્યું અને ત્યાં તેમના તમામ પ્રશ્નોનો ઉકેલ આવી ગયો. તમામ ઓપરેશનો થોડા-થોડા સમયના અંતરે કરવામાં આવ્યા જે પૂર્ણ થતા લગભગ છ માસનો સમય લાગ્યો. સફળ શસ્ત્રક્રિયા કરી, પરિણામે ગઈકાલની ભાવના આજે ભરત તરીકે ઓળખાય છે. આ પ્રકારનું નિદાન અને પુત્ર પૂર્ણરૂપથી પરત મેળવતા સમગ્ર પરિવારનું હૈયું અને આંખ હર્ષથી છલકાઈ ગઈ હતી.


મહા રક્તદાન શિબિર

         આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મા. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. ૧૭.૦૯.૨૦૨૧ ના રોજ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીની ગરિમામય ઉપસ્થિતિમાં સંઘના આદર્શ સ્વયંસેવક અને આઝાદીના લડવૈયા આ. શ્રી મનસુખભાઈ છાપિયાજીની રક્તતુલા કરવાના પ્રસંગે એક મહા રક્તદાન શિબિરનું આયોજન પેટ્રીયા સ્યુટ્સ, એરપોર્ટ રોડ ખાતે કરવામાં આવેલ હતું. આપણા ટ્રસ્ટ દ્વારા આ રક્તદાન શિબિરનું પ્રથમ આયોજન હતું. આપણું આ આયોજન સિવિલ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના લાભાર્થે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ૧૭૧ લોકોએ રક્તદાન કરવાનો લાભ લીધેલ હતો. ટ્રસ્ટ દ્વારા બધાજ રક્તદાતાઓ વચ્ચે થી લકી ૫ નંબરને ૧ ગ્રામ સોનાની ગીની ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી. ઉપરાંત બધાજ રક્તદાતાઓને ટ્રસ્ટ તરફથી ભેટ સ્વરૂપે એક ટ્રાવેલિંગ બેગ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીશ્રીઓ અને સર્વે કાર્યકરો એ ખૂબજ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.