<   પર્યાવરણ ક્ષેત્રે :

જળ સંચય અભિયાન

         પાણીની જયારે અછત સર્જાય ત્યારે જ લોકોને પાણીનું મહત્ત્વ સમજાય છે. માનવની આ પ્રકૃતિ છે. ઇ.સ. 1999ના વર્ષમાં વરસાદ નહીંવત પડ્યો હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અછતની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ વિસ્તારના જળાશયો પાણી વગર ખાલી થઇને રમતના મેદાન જેવા ભાસતા હતા. કુદરતની કઠોરતાનો સામનો કરવા રાજકોટના બે તળાવોની સંગ્રહશક્તિ વધારવાનું અભિયાન ઈ.સ. ૨૦૦૦ ના વર્ષમાં બે માસ માટે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયું હતું.

         રાજકોટની ભાગોળે આવેલા રાજાશાહી વખતના લાલપરી અને રાંદરડા તળાવોમાં ભરાયેલો દાયકાઓ જૂનો કાંપ કાઢવાની કામગીરી આપણી પોતાની માનીને ઉપાડી લેવા અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટે રાજકોટના નગરજનોને અપીલ કરી હતી. રાજ્ય સરકારે આ કામગીરી ઉપર દેખરેખ રાખવા કર્તવ્યનિષ્ઠ અને બાહોશ અધિકારી એસ. જગદીશનની નિમણૂક કરી હતી. રાજકોટની વસ્તી સતત વધતી જાય છે. પરંપરાગત જળસ્રોતો પુરેપુરા ભરાઈ જાય તો જ રાજકોટવાસીઓને પર્યાપ્ત પાણી મળે. લાલપરી અને રાંદરડાનું નિર્માણ લગભગ એક સદી પહેલા થયું હતું. રાંદરડાની જળસંગ્રહ ક્ષમતા ૩૭ ફૂટ છે, જે પૈકી ૨૭ ફૂટ કાંપ ભરાઈ ગયો હતો. આવીજ સ્થિતિ લાલપરી તળાવની હતી. આ બંને તળાવો વર્ષો જુના હોવાથી અને તેના નિર્માણ બાદ ક્યારેય કાંપ કાઢવામાં આવ્યો ન હોવાથી સાવચેતી સાથે આ કાર્ય કરવાનું હતું.

         પાણીની સંગ્રહક્ષમતા વધવાથી ચોમાસામાં કોઈ દુર્ઘટનાન સર્જાય તે માટે ઈજનેરોનો અભિપ્રાય મેળવવામાં આવ્યો. સાથોસાથ રાંદરડા અને લાલપરી તળાવને જોડતી નહેર બુરાઈ ગઈ હતી, તે ખુલ્લી કરવી જોઈએ તેવું સૂચન પણ કર્યું. બંને તળાવો ના કાંપ ઉલેચવામાં આવે તો આસપાસના ભૂતળમાં જળસંચય થાય. કૂવા-બોરમાં વધારે પાણી આવે અને પાણીક્ષેત્રે રાજકોટ એટલું વધારે સ્વાવલંબી બને.

         તા. ૨૪.૦૪.૨૦૦૦ ના દિવસે 'આવો પાણી બચાવીએ' જળસંચય અભિયાનનો આરંભ થયો. બંને તળાવોમાંથી જે કાંપ નીકળ્યો તે ફળદ્રુપ માટી હોવાથી ખેતર-વાડીઓના માલિકો પોતાને ત્યાં લઇ ગયા. આ કાંપનું વિનામૂલ્યે વિતરણ થયું હતું. તળાવ ખોદકામ માટેના મશીનો તેમજ માટી ભરવા માટેના વાહનો કેટલાક સેવાભાવી લોકો, સંસ્થાઓ તથા કંપનીઓએ અમુક સમય માટે વિનામૂલ્યે ફાળવ્યા હતા. પ્રતાપભાઈ ડાંગરે આ પ્રોજેક્ટની સફળતા માટે પારાવાર જહેમત ઉઠાવી હતી. આ શ્રમયજ્ઞ એક પ્રકારનો લોકોત્સવ બની રહે એવું આયોજન ટ્રસ્ટના સંચાલકોએ કર્યું હતું. જનતાના સહિયારા પુરુષાર્થના આ કાર્યમાં સમયદાન, શ્રમદાન, સંપત્તિદાન વડે યોગદાન આપવા રાજકોટની પ્રજાને કરેલો અનુરોધ સાર્થક પુરવાર થયો હતો. રાજકોટની દરેક સહકારી બેંકોએ ઉપરોક્ત પ્રવૃત્તિમાં ટ્રસ્ટને આર્થિક યોગદાન આપી, શહેર પ્રત્યેની જવાબદારી વ્યક્ત કરી હતી.

         ‘જળભક્તિ મહોત્સવ' ને અંતે બંને તળાવો રાજકોટની જનતાને અર્પણ કરવા તા. ૨૨.૦૭.૨૦૦૦ ના દિવસે પ્રદ્યુમ્ન પાર્ક ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ઝુંબેશમાં સહભાગી બનેલા કાર્યકરો અને સંસ્થાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં વજુભાઈ વાળા, ડો. વલ્લભભાઈ કથીરિયા, અશ્વિનભાઈ મહેતા, ચંદ્રકાંતભાઇ પાવાગઢી, ‘ફૂલછાબ’ ના તંત્રી દિનેશભાઇ રાજા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધીરુભાઈ વિઠલાણી ઇત્યાદિ અગ્રણીઓ હાજર રહ્યા હતા.


પાણી બચાવો – પોસ્ટર હરીફાય, સુત્ર હરીફાય

         ૧૯૮૬ થી ૧૯૮૮ ત્રણ વર્ષો સમગ્ર ગુજરાતમાં દારુણ દુકાળના રહ્યા હતા. રાજ્યમાં સૌપ્રથમ વાર રેલ્વે દ્વારા રાજકોટને પાણી પહોંચાડવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. ૧૯૮૭ના વર્ષમાં રાજકોટમાં ફક્ત સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. એ સમયે મર્યાદિત સાધનો હોવા છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જનતાને પાણી પહોંચાડવા નમૂનેદાર આયોજન ત્રણ દાયકા પૂર્વે કર્યું હતું. ‘પાણી’ જેવા બે અક્ષરના શબ્દ ઉપર સૌરાષ્ટ્રનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. ‘તનને જેમ સાચવીએ તેમ પાણીને બચાવીએ’ અને ‘પાણીને ફૂટી છે વાણી, વાપરો મને અમૃત જાણી' જેવા સુત્રો અખબારોને પાને ચડી સૌરાષ્ટ્રભરમાં વહેતા થયા હતા. ગામેગામે કેટલાય કેમ્પો ખુલ્યા હતા. રાજ્ય સરકારના સહયોગમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ દુકાળ પાર ઉતરવા કમર કસી હતી. આફત વખતે જનતાની મદદ કરવા દોડી જવાની ગુજરાતની ‘મહાજન પરંપરા' તેની પૂર્ણ ક્ષમતાએ ખીલી ઉઠી હતી.

         અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી તા. ૧૨.૧૦.૧૯૮૬ ના દિવસે ‘પાણી બચાવો’ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત રાજકોટની સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પાણી બચાવો' ઝુંબેશ માટે ટ્રસ્ટ તરફથી જે કાર્યક્રમો યોજાયા તેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સામેલ થયું હતું.

         પાણીની અભૂતપૂર્વ તંગીના સંદર્ભમાં પાણીનો કરકસરયુક્ત ઉપયોગ, પાણીનો બચાવ અને પાણીનો બગાડ અટકાવવા માટે વ્યાપક લોક ઝુંબેશ સૌરાષ્ટ્રમાં શરૂ થઇ હતી. અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટે આ ઝુંબેશને વેગ આપવા 'પાણી બચાવો' પોસ્ટર અને સૂત્ર હરીફાઇ જેવા કાર્યક્રમો આપ્યા હતા. જળ એ જ જીવન, પાણી બચાવો – આજની જરૂરિયાત જેવા વિષયો ઉપર વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. પોસ્ટર અને સૂત્રસ્પર્ધાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

         તા. ૨૫.૦૧.૧૯૮૬ ના દિવસે, સૌરાષ્ટ્રમાં પાણીની અછત અને ઉકેલ વિષય ઉપર પરિસંવાદ યોજાયો હતો. સૌરાષ્ટ્રના ત્રણ મોટા શહેરો રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન મેયર અનુક્રમે વજુભાઈ વાળા, રમણીકભાઈ પંડ્યા અને જયંત કનખરાએ પરિસંવાદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવું અને નર્મદા યોજનાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવાની અગત્ય તે સમયે સૌપ્રથમ વ્યક્ત કરવામાં આવી હતી.


વૃક્ષારોપણ કાર્યક્રમ

         ૧૯૮૮ ના વર્ષમાં ત્રણ વર્ષના દુકાળને શ્રીકાર વર્ષાથી દેશવટો મળ્યો. રાજકોટમાં 35 ઇંચ વરસાદ વરસ્યો. કુદરતની આ કૃપાને આવકારવા અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટે વૃક્ષારોપણનો ઘનિષ્ઠ કાર્યક્રમ હાથ ધર્યો. ‘હરિયાળું રાજકોટ, રળીયામણું રાજકોટ'ની થીમ ઉપર, શહેરના આમ્રપાલી સિનેમા પાસે આવેલા રાતિયા હનુમાન નજીક પંચાવન વૃક્ષો વાવવામાં આવ્યા. એ દિવસ હતો તા. ૦૫.૧૦.૧૯૮૮, એટલે અરવિંદભાઈનો પંચાવનમો જન્મ દિવસ. પંચાવન વર્ષના અનુસંધાને પંચાવન વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આજે આ બધા વૃક્ષો ઉછરીને ઘેઘુર બન્યા છે. ટ્રસ્ટના આ કાર્યમાંથી પ્રેરણા લઇને પછીના વર્ષોમાં, અન્ય સંસ્થાઓએ પણ શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરી હતી.

         આ વૃક્ષારોપણને ઇ.સ. ૧૯૯૦માં બે વર્ષ પૂરા થયા. અરવિંદભાઈના સત્તાવનમાં જન્મદિવસ તા. ૦૫.૧૦.૧૯૯૦ ના દિવસે ઉક્ત ‘અરવિંદભાઈ મણીઆર સ્મૃતિવન' ખાતે એક ગૌરવયુક્ત કાર્યક્રમ ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. વૃક્ષપૂજન, વૃક્ષમિત્ર એવોર્ડ તથા વૃક્ષદાન એમ ત્રિવિધ કાર્યક્રમો થકી અરવિંદભાઈની સત્તાવનમી જન્મજયંતી ઉજવાઈ. કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર અને વૃક્ષપૂજનથી થઇ. રાજકોટમાં વૃક્ષારોપણ ક્ષેત્રે કામ કરનાર વ્યક્તિઓમાંથી જયંત શર્માને તથા સંસ્થાઓમાંથી પાંડુરંગ શાસ્ત્રી ઉપવન વતી દેવેન્દ્ર ભટ્ટને અને સોસાયટીઓમાંથી પંચવટી સોસાયટી વતી ધીરુભાઈ ધાબલીયાને ‘વૃક્ષમિત્ર' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કાશ્મીરી પેન્ડુલા, ક્રોટન, રોયલ પામ, ગુલમહોર વગેરેના રોપા લોકોને વિનામૂલ્યે વિતરિત કરવામાં આવ્યા હતા.

         આમ્રપાલી સિનેમા પાસે રાતિયા હનુમાન નજીક ‘અરવિંદભાઈ મણીઆર સ્મૃતિવન'ના વૃક્ષો પાંચ વર્ષનું આયુષ્ય પૂરું કરી પુખ્ત બન્યા તે બાદ મવડી પ્લોટ મેઈન રોડ ઉપર આવેલા અલ્કા સોસાયટીમાં ‘સહકાર સ્મૃતિવન' ઉછેરવાનો પ્રકલ્પ ટ્રસ્ટ તરફથી હાથ ધરવામાં આવ્યો. અરવિંદભાઈની 60મી જન્મજયંતી, તા. ૦૫.૧૦.૧૯૯૩ ના દિવસે, આ ટ્રસ્ટની સ્થાપનાને દસ વર્ષ પૂરા થતા હોવાથી દશાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અલ્કા સોસાયટીમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચીમનભાઈ શુક્લ, મેયર અને ધારાસભ્ય વજુભાઈ વાળા, સંસદસભ્ય શિવલાલ વેકરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની સહકારી બેંકોના ડીરેક્ટરો તથા સહકારી આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે આ બંને સ્મૃતિવન બળબળતા ઉનાળામાં આંખને ટાઢક, પક્ષીઓને વિસામો અને રાહદારીઓને રાહત આપી રહ્યા છે. માત્ર વૃક્ષારોપણ કરીને જ ટ્રસ્ટ અટક્યું નથી. વૃક્ષોની માવજત પુરતી સજ્જતા સાથે કરવામાં આવે છે.