<   અન્ય પ્રવૃતિઓ :

શબવાહિની નું લોકાર્પણ

         અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના માધ્યમથી શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા તેમના દિવંગત વડીલોની યાદગીરી રૂપે એક અંતિમ સંસ્કાર વાહિની ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ વૈકુંઠ યાત્રા વાહિનીના મુખ્ય દાતા શ્રી જીજ્ઞેશભાઈ જયંતીભાઈ પટેલ અને પરિશેષભાઈ જયંતીભાઈ પટેલ તરફથી ભેટ મળેલ હતી. આ વૈકુંઠ યાત્રા વાહિનીનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૧૧.૦૭.૨૦૨૧ ને રવિવારના રૈયાગામ, મુક્તિધામ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રી, મ્યુ. કમિશનરશ્રી અને પૂર્વ કલેકટરશ્રી આ ઉપરાંત પ્રમુખ, ઉમિયાજી માતાજી ટ્રસ્ટ, ચેરમેન, બાન લેબ્સ, રાજકોટ, તેમજ ધારા સભ્યશ્રીઓ, સ્ટેટ કમિટીના ચેરમેન અને સામાજીક અગ્રણીઓ સાથે ડે. મેયર શ્રી પણ જોડાયા હતા. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ કથીરિયા સાહેબ સાથે ટ્રસ્ટના તમામ કાર્યકરો પણ જોડાયા હતા અને કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ હતો.


ગૌ ડાયરો

         ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત તથા અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા. ૨૩.૦૫.૨૦૧૪ ના બાલભવન ઓપન એર થિયેટર, રેસકોર્સ, રાજકોટ ખાતે એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. તેમાં આશીર્વચન પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતી – આર્ષ વિદ્યામંદિર, મુંજકા અને પૂ. ગોસ્વામી શ્રી વ્રજેશકુમાર બાવાશ્રી, કામવન – રાજકોટ.

“ગૌસેવા, ગૌ સંવર્ધન, ગૌ રક્ષા, ગૌ ગીતા... ગૌ ભક્તિ જે જન કરે, ગોવિંદનો એ મીત.“

         ગૌ ભક્તિ અને ગૌ રક્ષા દરેક ભારતીયની પવિત્ર ફરજ છે. પ્રત્યેક સમાજના લોકો ગૌમાતાને માતા સમાન આદર સત્કાર સહિત પૂજન કરે છે. આવી આપણા સૌની માતાને ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગૌરક્ષાના ગીતો-છંદો અને ગૌ મહિમાની અદભુત વાતો તેમજ ગાયની વેદથી વિજ્ઞાન સુધીની યાત્રા ગુજરાતના ગૌરવવંતા લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા કવિશ્રી “સાંઈરામ દવે” ના ફૂલરૂપીશબ્દો દ્વારા યોજાયેલ આરતી/પૂજનમાં ભાગ લેવા તેમજ ગૌ-માતાના શુભાશીષ પ્રાપ્ત કરવા આ “ગૌ ડાયરો” ગૌરક્ષા ના યજ્ઞમાં એક ચંદનનું સમીધ બનશે.


લક્ષ્યપથ પ્રકલ્પ

         ઇન્ડો-પાકિસ્તાન સરહદ પર આરોગ્ય ભારતી અને સીમા જન કલ્યાણ સમિતિ દ્વારા ચાલતા સેવા કાર્ય લક્ષ્યપથ કે જે સ્વસ્થ આત્મનિર્ભર ભારતના પ્રયાસ તરફ કાર્યરત છે. એનું મુખ્ય ધ્યેય આયુષ દ્વારા પ્રાકૃતિક આરોગ્ય અને સુખાકારી અંગે જાગૃતિ ફેલાવાનો છે તથા પ્રાકૃતિક આરોગ્ય અને જીવનના ભારતીય મોડલને પુનઃ સ્થાપિત કરવાનો છે. તે માટે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો જેવા કે નેત્ર સુરક્ષા, કિશોરી સુરક્ષા, શિશુ સુરક્ષા, ગૌવંશ સુરક્ષા, જલ સુરક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા ... વગેરે પર કામ કરવામાં આવી રહ્યું છે. પ્રકલ્પ માં વૈદ્ય હિતેશભાઈ જાની સ્વયમ્ કચ્છના લખપત ગામમાં રહી આ સ્વાસ્થ્ય પરિયોજનાને ગતિમાન કરી રહ્યા છે.

         અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે તા. ૦૪.૦૧.૨૦૧૧ને મંગળવારના રોજ યોજાયેલ ‘લક્ષ્યપથ પ્રકલ્પ ચેક અર્પણ સમારોહ' એક વિશિષ્ટ પ્રયાસ હતો જેમાં શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રૂ. 11 લાખનો ચેક અર્પણ કરી સહયોગી બનવા નિર્ણય કરવામાં આવેલ.